આઈટીના વિદ્યાર્થીઓ હોય કે સામાન્ય વિદ્યાર્થીઓ,ઓફિસ કર્મચારી હોય કે સામાન્ય યુઝર્સ કે પછી ગૃહિણી બધાં જ હવે ટેક્નોફ્રેન્ડલી બની રહ્યાં છે. કમ્પ્યુટર તો હવે તેમના જીવનનું અભિન્ન અંગ બની ગયાં છે. અભિન્ન અંગ હોય તો તેને છૂટું પાડી શકાય ખરું? ના, ક્યારેય ન પડાય. તો પછી પોતાના કમ્પ્યુટરને પોતાનાથી દૂર કે છૂટું શા માટે પાડવું?
અહીં લેપટોપ કે ડેસ્કટોપ કમ્પ્યુટરને સાથે લઈને ફરવાની વાત નથી, પરંતુ તમારા સ્ટડીરૂમ કે અન્ય કોઈ જગ્યાએ ડેસ્ક (ટેબલ) પર રહેલા કમ્પ્યુટરની વાત છે. તમે ક્યાંક દૂર બેઠાં-બેઠાં પણ તમારા કમ્પ્યુટરને એક્સેસ કરી શકો છો. આ કામ તમે રિમોટ ડેસ્કટોપ ફીચરની મદદથી પાર પાડી શકો છો. ઉદાહરણ તરીકે કંપનીના એકાઉન્ટ વિભાગનો કર્મચારી એચઆર વિભાગમાં જઈને જરૂર પડે તો પોતાના કમ્પ્યુટરને રિમોટ ફીચરની મદદથી એક્સેસ કરી શકે છે. કેવી રીતે તે જાણીએ...
રિમોટ ડેસ્કટોપ ફીચરની મદદથી તમે તમારા હોમ (ઘર)ના કમ્પ્યુટર જેને હોસ્ટ કહેવાય તેને કોઈ પણ જગ્યાએ રહેલા બીજા રિમોટ કમ્પ્યુટર જેને ક્લાયન્ટ કહેવાય તેની સાથે જોડી શકો છો અને કમ્પ્યુટર રિસોર્સ જેમ કે ઇન્સ્ટોલ પ્રોગ્રામ, ડેટા તથા કોઈ પણ નેટવર્ક રિસોર્સ વગેરેને એક્સેસ કરી શકો છો. તમે કોઈ પણ કમ્પ્યુટર એપ્લિકેશનને ઘરના કમ્પ્યુટરમાં જે રીતે ઉપયોગ કરો છો તે જ રીતે રિમોટ કમ્પ્યુટરમાં પણ રન કરી શકો છો. તમારા પીસીને રિમોટ કમ્પ્યુટર સાથે જોડવા માટે નીચે પ્રમાણેના સ્ટેપ્સને અનુસરો.
સ્ટેપ-૧: એડમિનિસ્ટ્રેટર તરીકે કમ્પ્યુટરમાં લોગ ઓન થાઓ અને આ જોડાણ કરતાં પહેલાં બંને કમ્પ્યુટર નેટવર્ક કે ઈન્ટરનેટ દ્વારા જોડાયેલાં છે કે નહીં તેની ખાતરી કરી લો.
સ્ટેપ-૨: સૌ પ્રથમ હોસ્ટ કમ્પ્યુટરને કન્ફિગર કરશું કે જે યુઝર્સને રિમોટ કનેક્શન દ્વારા જોડાવાની મંજૂરી આપે છે. હોસ્ટ કમ્પ્યુટરમાં માય કમ્પ્યુટર પર રાઈટ ક્લિક કરો અને પ્રોપર્ટીઝ ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ-૩: તમને સિસ્ટમ પ્રોપર્ટીઝનું ડાયલોગ બોક્ષ જોવા મળશે, જેમાં રિમોટ ટેબ પર ક્લિક કરીને“ Allow users to connect remotely to this computer”પર ટીક કરો અને ત્યારબાદ ઓકે બટન પર ક્લિક કરો.
સ્ટેપ-૪: હવે હોસ્ટ કમ્પ્યુટરનું આઈપી એડ્રેસ મેળવો (ઈન્ટરનેટ કનેક્શન કે નેટવર્ક હશે તો તે કમ્પ્યુટરનો આઈપી હશે જ) તેના માટે કમાન્ડ પ્રોમ્પ્ટ (ડોસ)માં જઈને *ૈૅર્ષ્ઠહકૈખ્ત /ટ્વઙ્મઙ્મ* કમાન્ડ નાખતા હોસ્ટ કમ્પ્યુટરનું આઈપી એડ્રેસ જોવા મળશે.
સ્ટેપ-૫: હવે રિમોટ એટલે કે ક્લાયન્ટ કમ્પ્યુટરમાં કનેક્શન બનાવો. તેના માટે સ્ટાર્ટ -। ઓલ પ્રોગ્રામ્સ -। એસેસરીઝ -। કમ્પ્યુનિકેશનમાં જાઓ. તેમાં રિમોટ ડેસ્કટોપ કનેક્શન ઓપ્શન પર ક્લિક કરો. રિમોટ ડેસ્કટોપ કનેક્શન ડાયલોગ બોક્ષ તમને સ્ક્રીન પર જોવા મળશે.
સ્ટેપ-૬: ઓપ્શન બટન પર ક્લિક કરીને તમે જરૂરી કન્ફિગ્રેશન કરી શકો છો. જનરલ ટેબમાં કમ્પ્યુટર બોક્ષમાં હોસ્ટ કમ્પ્યુટરનું આઈપી એડ્રેસ ટાઈપ કરો સાથે યુઝર નેમ અને પાસવર્ડ પણ ટાઈપ કરો, પછી કનેક્શન બટન પર ક્લિક કરતાં યુઝર નેમ અને પાસવર્ડ સાચા હશે તો હોસ્ટ અને રિમોટ કમ્પ્યુટર વચ્ચે કનેક્શન થઈ જશે અને રિમોટ કમ્પ્યુટરમાં તમારા એટલે કે હોસ્ટ કમ્પ્યુટરની સ્ક્રીન જોવા મળશે.
જરૂરી બાબતો
*હોસ્ટ અને રિમોટ (ક્લાયન્ટ) કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ કનેક્શન અથવા નેટવર્ક હોવું જોઈએ.
*હોસ્ટ અને રિમોટ કમ્પ્યુટર હંમેશાં ચાલુ હોવું જોઈએ.




