પાંચ સેકન્ડમાં વાઇ-ફાઇનું હેકિંગ

લંડન: ઘરમાં લાગતા વાયરલેસ ઇન્ટરનેટ નેટવર્ક અર્થાત વાઇ-ફાઇને પાંચ સેકન્ડમાં હેક કરી શકાય છે. બ્રિટનમાં થયેલા એક અભ્યાસમાં શંકા વ્યક્ત કરવામાં આવી છે કે અપરાધી તત્વો વાઇ-ફાઇ હેકિંગની મદદથી લોકોની અંગત માહિતી મેળવી શકે છે. તેમના બેંકખાતાની માહિતી પણ મેળવી શકે છે. અશ્લીલ વેબસાઇટ સુધી પહોંચ બનાવી શકે છે અને ઇમેલ પણ કરી શકે છે. બ્રિટનમાં છ નગરોમાં થયેલા હેકિંગ પ્રયોગમાં લગભગ ૪૦ હજાર ઘરોમાં વાઇ-ફાઇ નેટવર્ક અસલામત માલુમ પડ્યા છે. પ્રયોગમાં ઉપયોગમાં લેવામાં આવેલું સોફ્ટવેર બજારમાં સહજપણે ઉપલબ્ધ છે.

ફેસબુક ૩૦ મહિના સુધી ડિજિટલ ફોટો સેવ કરી રાખે છે 

સિડની : જો તમે ફેસબુક એકાઉન્ટમાંથી પોતાની તસવીરો ડિલીટ કરીને નિશ્વિંત થઇ ગયા હોવ તો સાવધ થઇ જાઓ. સિડની મોર્નિંગ હેરાલ્ડમાં આવેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ફેસબુક ડિલીટ કરેલી તસવીરોને ઓછામાં ઓછા ત્રીસ મહિના સુધી સેવ રાખે છે. કેટલાક વપરાશકર્તાએ તો તસવીરોની ડાયરેકટ લિંકને જ સેવ કરી રાખી હતી અને તેઓ ફોટો ડિલીટ થતા પછી પણ ડાયરેકટ લિંકની મદદથી જોઇ શકતા હતા. એક યૂઝરે કહ્યું હતું કે તેણે ૩૦ મહિના પહેલાં ફોટો ડિલીટ કર્યો હતો પરંતુ હજી પણ જોઇ શકે છે. એક અન્ય યૂઝરે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૯માં તેણે ડિલીટ
કરેલી તસવીર હજી પણ જોઇ શકે છે.

નેનો ફિલ્ટર પાણીના ૯૮ ટકા બેક્ટેરિયા મારશે

વોશિંગ્ટન : વિજ્ઞાનીઓએ એવી ફિલ્ટર ટેક્નોલોજી વિકસાવી છે કે જે પાણીમાંના ૯૮ ટકા હાનિકારક બેકટેરિયાને ગણતરીની સેકન્ડમાં જ મારી નાખે છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાની યિ કુઇ અને તેમના સાથીઓએ આ ટેક્નોલોજી વિકસાવી છે. તેમનું કહેવું છે કે મોટાભાગના વોટર પ્યુરિફાયરમાં ફલ્ટિર મટિરિયલમાં નાના છિદ્રો હોય છે કે જેમાં બેકટેરિયા ફસાઇ જાય છે. આવા ફલ્ટિરમાં પાણી પસાર થવા માટે ઇલેક્ટ્રિક પંપની જરૂર હોય છે. તેમાં વીજળી પણ વપરાય છે. બેકટેરિયા ફસાતા હોવાથી પાણી અવરોધાતા ફલ્ટિર વારંવાર બદલવા પડે છે. પરંતુ નવી ટેક્નોલોજીમાં થોડા મોટા છિદ્ર હોય છે કે જેમાંથી પાણી આસાનીથી પસાર થાય છે.

સોફ્ટવેર ઝોકા નહીં ખાવા દે

વોશિંગ્ટનઃ વિશેષજ્ઞોએ વાહનો માટે એવું સોફ્ટવેર વિકસાવ્યું છે કે જે ચાલકને ઝોકું નહીં ખાવા દે. આ સસ્ટમ ચાલકની આંખોની હિલચાલ પર નજર રાખે છે અને ઝોકું આવતાં પહેલાં જ ચેતવણી આપે છે. ‘આઇટ્રેકર’ નામની આ સિસ્ટમ જર્મની સ્થિત ફ્રેનહોફર ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિજિટલ મીડિયા ટેક્નોલોજીના સંશોધકોએ વિકસાવી છે. તેને કોઇપણ કારમાં લગાવી શકાય છે. સિસ્ટમને લગાવાતાં આંખ એક અવધિથી વધુ સમય બંધ થાય તો સોફ્ટવેર એલાર્મ વગાડી દેશે.

24ajabgajab