ગૂગલની ઇન્ટરનેટ બસ


ઇન્ટરનેટ જગત સર કર્યા પછી ગૂગલની ઇન્ડિયા ટીમે ઇન્ટરનેટને લોકો સુધી પહોંચાડવાનો ઓફલાઇન ટ્રેક પકડ્યો છે.
આપણી આ સફરમાં આપણે અત્યાર સુધી લોકોને ઇન્ટરનેટ સુધી લઈ જવાનો પ્રયાસ કર્યો છે, આજે વાત કરીએ ઇન્ટરનેટને લોકો સુધી લઈ જતા એક અફલાતૂન આઇડિયાની!
આજે આપણામાંના ઘણા ખરા લોકો, કોઈ પેન માગે તો ખિસ્સામાંથી બોલપેન આપવાને બદલે પેન ડ્રાઇવ આપીએ એવા જમાનામાં જીવવા લાગ્યા છીએ. ગૂગલ, જીમેઇલ, યાહૂ, ફેસબુક, ટ્વીટર, ચેટિંગ, બ્લોગિંગ, શેરિંગ, ઓનલાઇન બુકિંગ, સર્ચિંગ, બ્રાઉઝિંગ વગેરે વગેરે શબ્દો ધીમે ધીમે આપણા જીવનમાં એક સમયે પોસ્ટકાર્ડ, ટ્રંકકોલ, એસટીડી બૂથ, છાપાં વગેરેનું જે સ્થાન હતું કે હજી છે એ જ સ્થાન લેવા લાગ્યા છે. થોડા સમય માટે ઇન્ટરનેટ કનેક્શન ડાઉન થાય ત્યાં તો પાણીની બહાર પડેલી માછલીની જેમ તરફડવા લાગે એટલી હદે ઇન્ટરનેટ સાથે ઘણા લોકો વણાવા લાગ્યા છે...
આ બધું જ આપણા સૌના જીવનમાં અને આપણી આસપાસ જ બનવા લાગ્યું છે, પણ આપણા વર્તુળની બહાર થોડી નજર દોડાવીએ તો સમજાય છે કે ઇન્ટરનેટથી હજી જોજનો દૂર રહેલા (અને છતાં આનંદથી જીવતા!) લોકો પણ આ દુનિયામાં વસે છે. જોકે વિજ્ઞાનની કોઈ પણ વાતની જેમ ઇન્ટરનેટ બેધારી તલવાર જ છે, જેના વિના આનંદથી જીવી તો શકાય જ, પણ યોગ્ય રીતે લાભ લો તો જીવન વધુ સહેલું, વધુ આનંદમય અને વધુ માહિતીભર્યું બની શકે.
તો સવાલ એ આવીને ઊભો રહે કે ઇન્ટરનેટથી દૂર રહેલા લોકોને એનાં સકારાત્મક પાસાંની નજીક કેવી રીતે લાવવા? એક રસ્તો, આપણી આ સાયબરસફર જેવો છે, જેમાં ઇન્ટરનેટની ઘણી નજીક પહોંચી ગયેલા લોકોને તેનાં નવીન, માહિતીપ્રદ પાસાંનો પરિચય આપવામાં આવે છે. બીજો રસ્તો ઇન્ટરનેટને લોકો સુધી લઈ જવાનો છે, જે ગૂગલ જેવા મહારથી સિવાય કોણ કરી શકે?
આ માટે, ગૂગલની ઇન્ડિયા ટીમે ગૂગલ ઇન્ટરનેટ બસ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. પ્રોજેક્ટ આમ તો છેક ફેબ્રુઆરી ૨૦૦૯થી શરૂ થઈ ગયો છે. ગૂગલે એક સરસ મજાની, ગૂગલના હોમ પેજ જેવી જ સીમ્પલ છતાં કલરફૂલ અને ઇન્ટરનેટની સગવડ ધરાવતી એક બસ તૈયાર કરી છે. આ ઇન્ટરનેટ બસ ભારતનાં વિવિધ રાજ્યોનાં નાનાંમોટાં શહેરોમાં ફરે છે અને લોકોને ઇન્ટરનેટની રીતસરની સફર કરાવે છે!
આ પ્રોજેક્ટના વેબપેજ પર પહેલા જ ફકરામાં લખ્યા મુજબ, આ કોલમ વાંચનારા તમારા જેવા અનેક લોકો ગૂગલને ઇન્ટરનેટ પરની તેની વિવિધ સર્વિસીઝથી ઓળખે છે, પણ જેમણે ક્યારેય ઇન્ટરનેટ જોયું જ નથી, એવા અનેક લોકો ગૂગલની આ બસના પ્રતાપે ઇન્ટરનેટ શું છે અને તેનાથી તેમના જીવનમાં કેવું પરિવર્તન આવી શકે છે તેનો નજીકથી પરિચય કેળવવા લાગ્યા છે. જેમ ધીરુભાઈ અંબાણીના સ્વપ્ને શાકભાજીવાળા સુધી મોબાઇલ પહોંચાડ્યો, કંઈક એવો જ, અલબત્ત જુદા સ્તર પરનો પ્રયાસ ગૂગલ કરી રહ્યું છે.
અત્યાર સુધીમાં આ બસ તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, કેરળ, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં ઘૂમી વળી છે. ગૂગલના સર્વે કહે છે કે આ દરેક રાજ્યમાં બસની મુલાકાત લેનારા લોકોમાંથી ચોથા ભાગના લોકો પહેલી જ વાર ઓનલાઇન થયા હતા! ગૂગલ કહે છે કે આ પ્રોજેક્ટમાંથી કંપનીને પણ ઘણું શીખવા મળે છે, ઇન્ટરનેટ પર નવાસવા આવતા લોકો સહેલાઈથી હિન્દીમાં સર્ચ કરી શકે એટલા માટે ગૂગલના હિન્દી હોમપેજ પર વર્ચ્યુઅલ કીબોર્ડ મૂકાયું છે તે આવી જાણકારીનું જ પરિણામ છે.
તમે http://www.google.co.in/internetbus પર જઈને આ પ્રોજેક્ટના ફોટો, વિડિયો, વગેરે જોઈ શકો છો અને ત્યાંથી ઓર્કૂટ, ટ્વીટર વગેરે પર આ પ્રોજેક્ટની કમ્યુનિટિઝની મુલાકાત પણ લઈ શકો છો.
પ્રોજેક્ટના વેબપેજ પર ઇન્ટરનેટ ફોર કમ્યુનિકેશન, ફોર ઇન્ફર્મેશન અને ફોર એજ્યુકેશનના વિડિયોઝની લિંક છે, જેમાં ડ્રામેટાઇઝડ સિચ્યુએશનની મદદથી ઇન્ટરનેટનો પરિચય કેળવવાનો પ્રયાસ કરાયો છે. તમને આ વિડિયો બહુ બેઝિક લાગશે, પણ યાદ રહે, ઇમેઇલ કે ચેટિંગ કે નેટવર્કિંગ હજી જેમના માટે અજાણ્યા શબ્દો છે એવા લોકો તમારા પોતાના પરિવારમાં પણ હશે.
અચ્છા, ગૂગલની આ બસ આપણા ગુજરાતમાં આવી નથી અને આવશે કે નહીં એનો ગૂગલે કોઈ ફોડ પણ પાડ્યો નથી! કારણ તો ગૂગલવાળા જ જાણે.

24ajabgajab