સર્ચ બનાવો જરા વધુ ધારદાર


ગૂગલનો આપણે સૌ એટલો બધો ઉપયોગ કરીએ છીએ કે એમાં કશું નવું મળે એ વાત સહેલાઇથી માની શકાય એવી નથી. તેમ છતાં, ગૂગલનો, ખાસ કરીને તેના સર્ચ એન્જિનનો ઉપયોગ કરતા ઘણા બધા મિત્રો સાથેની અછડતી ચર્ચા પછી લાગે છે કે આપણામાંના ઘણા બધા લોકો, ગૂગલ સર્ચની કેટલીક ખાસિયતોથી હજી અજાણ છે.
પરિણામે થાય છે એવું કે આપણું થોડા સમયની તૈયારી સાથે ગૂગલ સર્ચમાં ઝંપલાવ્યું હોય, પણ સર્ચ એકદમ ફોકસ્ડ ન હોય તો ગૂગલ તો હનુમાનજીના અવતારની જેમ વર્તે છે, એ સંજીવનીનો આખો પહાડ આપણી સમક્ષ મૂકી દે છે એટલે આપણે એમાંથી આપણા કામની બાબત શોધતાં શોધતાં થાકી જઈએ છીએ. આ સ્થિતિ મોટા ભાગના લોકોની હોય છે એટલે જ ગૂગલ પર કેટલાક ચોક્કસ સર્ચ ઓપરેટર્સની મદદ લઈ શકાય છે. જેની મદદથી આપણા સર્ચને ઘણું બધું મર્યાદિત અથવા તો વધુ કેન્દ્રિત કરી શકીએ છીએ.
તો એક નજર, ગૂગલ સર્ચની જાણીઅજાણી વિશેષતાઓ પર...
  • તમે કોઈ ચોક્કસ શબ્દપ્રયોગ વિશે વધુ જાણવા માગતા હો તો ગૂગલના સર્ચ બોક્સમાં ડબલ ઇન્વર્ટેડ કોમાનો ઉપયોગ કરીને તેમાં એ શબ્દપ્રયોગ લખો. એ રીતે ચોક્કસ એ જ શબ્દપ્રયોગ ધરાવતાં પેજીસની યાદી તમને મળશે.
  • તમે વાઇરસ વિશે જાણવા ઇચ્છો છો, પણ કમ્પ્યૂટરના નહીં, મેડિકલ વાઇરસ, તો સર્ચ કરો વાઇરસ માઇનસ કમ્પ્યૂટર.
  • કોઇ એક શબ્દ નહીં, પણ તેને લગતા બધા શબ્દો વિશે સર્ચ કરવા માગો છો? તો જે શબ્દ તમારા મનમાં રમે છે તે લખો અને તેની પહેલાં, કીબોર્ડમાં ડાબે ખૂણે, ટેબના બટનની ઉપરનું બટન પ્રેસ કરીને આવતી નિશાની લખો. તમને એ શબ્દને મળતા આવતા બીજા શબ્દો અંગે સર્ચ થશે.
  • ધારો કે તમારે ગાંધીજી અંગે, કોઇ ચોક્કસ સમયગાળા અંગે સર્ચ કરવું છે, તો સર્ચ કરો મહાત્મા ગાંધી ૧૯૩૦...૧૯૪૦.
  • અચ્છા, કોઈ શબ્દ કે શબ્દ પ્રયોગ સમજવો છે, પણ એ માટે અલગ અલગ વેબસાઇટમાં ફાંફાં મારવા જેટલો સમય કે તૈયારી નથી? તો સર્ચ બોક્સમાં લખો define: gallery કે બીજો કોઈ પણ શબ્દ. તરત તમને એ શબ્દ વિશે અલગ અલગ ડિક્શનરી અને રેફરન્સ બુક્સમાં અપાયેલા સંદર્ભો જાણવા મળશે.
  • ઇન્ટરનેટ બહુ મોટી ખાણ છે અને તમારે તેના કોઇ ચોક્કસ ખૂણામાં જ ખોદકામકરવું હોય તો આ તમારા કામની વાત છે. ધારો કે તમારે ગ્લોબલ વોર્મિંગ વિશે જાણવું છે, પણ એ વિષય અંગે જાતભાતની બધી સાઇટ ફંફોસવી નથી. તો global warming site: edu લખશો એટલે માત્ર .edu  પ્રકારનું ડોમેઇન ધરાવતી સાઇટમાં જ સર્ચ થશે. સાઇટ પછી તમે કોઈ ચોક્કસ સાઇટનું એડ્રેસ લખશો તો માત્ર એ સાઇટની અંદર જ સર્ચ થશે. ગૂગલનો ટૂલબાર વાપરતા હશો તો એમાં આવી અલગ અલગ સર્ચ ટાઇપ પહેલેથી ડિફાઇન થયેલી મળશે.
  • ગૂગલના સર્ચ બોક્સનો કેલ્સી તરીકે ઉપયોગ કર્યો છે? (આ કોલમના જૂના મિત્રોને યાદ હશે, આ વિષય પર સાવ શરૂઆતમાં લખાયેલા લેખનું શીર્ષક આવું જ કંઈક હતું) સરવાળા, બાદબાકી કે ગુણાકાર, ભાગાકાર તમે સીધા સર્ચ બોક્સમાં લખીને જવાબ મેળવી જ શકો છો, ટકાવારી શોધવી હોય તો પણ 30% of 79   જેવું લખીને પણ ધડાક કરતો જવાબ મેળવી શકો છો.
  • ફૂટમાંથી મીટરમાં અને રૂપિયામાંથી ડોલરમાં કે કિલોની પાઉન્ડમાં ઘ્ગણતરી કરવી હોય તો વચ્ચે ફક્ત in લખો અને તેની બંને તરફ તમારે જરૂરી શબ્દો લખો એટલે બાકીની ભેજામારી ગૂગલ કરશે.
  • તમે જે તે શબ્દ પછી filetype: pdf કે ppt જેવી સ્પષ્ટતા કરીને ચોક્કસ ફાઇલ ટાઇપમાં જ સર્ચ કરી શકો છો. અહીં તમે filetype ને બદલે link કે phonebook જેવા શબ્દો લખીને પણ તમારા સર્ચને વધુ ફોકસ્ડ કરી શકો છો.
ગૂગલની આવી ખાસિયતો વિશે વિગતવાર માહિતી આપતી ઘણી સાઇટ અને વેબપેજીસ તમને મળી રહેશે નેટ પર. બસ, ગૂગલને જ કામે લગાડી દો.

24ajabgajab