અડાજણની પરિણીતાને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે આથી તે માતાપિતાના સંપર્કમાં રહી ચંડીગઢ અને અડાજણ પોલીસની મદદથી જોતપુરના પિયરે જતી રહી
અઠવાડિયા પહેલા અડાજણમાં રહેતા નાયબ મામલતદારની પુત્રી ફેસબુક મારફતે એક યુવાનના ફંદામાં ફસાયા બાદ હેમખેમ છુટી છે, તેની જેમ જ ૧૪ માસ પહેલા અડાજણ વિસ્તારની જ એક મહિલા ફેસબુક પર એક યુવાનના સાથે પરિચયમાં આવી. તેની સાથે જીવન વ્યતીત કરવા કાપડના વેપારી એના પતિને છોડી દિલ્હી જવા ચાલી નીકળી પરંતુ જે યુવાનને તે મળી તે તો દિલ્હીની ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો. ખૂબ પ્રતિષ્ઠિત અને પૈસાપાત્ર હોવાનું કહેનાર યુવાનને રૂબરૂ જોતા જ પરિણીતાને પોતે છેતરાઈ હોવાનો અંદાજ આવી ગયો. ખૂબ જલદી પિયરની વાટ પકડતા ખોટા રસ્તે જતાં બચી ગઈ હતી.
કોમર્સ ગ્રેજ્યુએટ ૨૬ વર્ષીય દિયાના પતિ રિંગ રોડ પર એક માર્કેટમાં કાપડનો ધંધો કરે છે. પત્ની ભણેલી-ગણેલી હોવાથી પતિએ તેના માટે ઘરે કમ્પ્યૂટર, ઇન્ટરનેટ જેવી સુવિધાઓ આપી હતી. દિયા ફેસબુક મારફતે દિલ્હીના એક યુવાનના સંપર્કમાં આવી. જેનું નામ કુંદનકુમાર ઉર્ફે શેખર દિલીપસિંહ મલ્હક્ષેત્રા હતું. મીઠી-મીઠી વાતો અને વખાણ કરીને કુંદનકુમારે તેને ભોળવી લીધી.
પછી તો ફેસબુક પરનું ચેટિંગ મોબાઇલ સુધી પહોંચ્યું. અને રોજ ફોન પર વાતો થવા માંડી. પતિ જેવા ઘરેથી બહાર નીકળે એટલે પરિણીતા ફોન લઈને કુંદનકુમાર સાથે વાતો કરવાનું શરૂ કરી દેતી હતી. કુંદને આ યુવાન પરિણીતાને એવા તો સપના બતાવ્યા હતા કે તા. ૦૪-૦૩-૨૦૧૦ના રોજ દિયા કુંદનને મળવા છેક દિલ્હી દોડી ગઈ હતી. જ્યારે તેની સામે હકીકત આવી ત્યારે તેનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું. કેમકે એક તો કુંદને આપેલું સરનામું ખોટું હતું. તે તો દિલ્હીની વિનોદનગર નામની ગલી નંબર-૨ વાળી એક ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો. દિલ્હીથી તે દિયાને ચંડીગઢ લઇ ગયો હતો.
દિયા ઘરેથી જતી રહી હતી ત્યારે અડાજણ પોલીસ મથકમાં તેના પતિએ ગુમ થયાની ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે પીઆઈ પી.આર. દેસાઈએ તપાસ શરૂ કરી ત્યારે મોબાઇલના લોકેશનના આધારે ખબર પડી કે દિયા તો હાલ ચંડીગઢમાં છે. અડાજણ પોલીસે ચંડીગઢ સેક્ટર-૨૨ની પોલીસ ચોકીના સંપર્કમાં રહી દિયાને જોતપુર ખાતે રહેતા તેના માતાપિતાના ઘરે હેમખેમ પહોંચાડી હતી. (મહિલાનું નામ બદલવામાં આવ્યું છે)
દિલ્હીમાં બેઠા-બેઠા કુંદને દિયાને વશમાં કરી હતી
દિલ્હીમાં બેઠા બેઠા કુંદને દિયા પર એવો જાદુ કર્યો કે દિયા તેની એક પણ મુલાકાત વગર પતિને કાયમ માટે છોડી તેની સાથે રહેવા માટે તૈયાર થઈ ગઈ હતી. અને દિયાએ કુંદનની તમામ વાતોનો અમલ પણ કર્યો. પોતાનું ઘર ત્યજીને કોઈને પણ કીધા વગર તે દિલ્હી દોડી ગઈ.




